શનિવારની રાત અમદાવાદ માટે અકસ્માતોની વણઝાર લઈને આવી હતી. શહેરના નારણપુરા વિસ્તારમાં જ અલગ-અલગ બે અકસ્માતો સર્જાયા હતા, જેમાંથી એક અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.
કારની અડફેટે યુવકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના લગભગ દસ વાગ્યાના સુમારે નારણપુરામાં આવેલા લાડલી શોરૂમ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવકની ઓળખ વેદાંત મૌલિનભાઈ મોદી (ઉં.વ. 20, રહે. થલતેજ) તરીકે થઈ છે. વેદાંત તેની એક્ટિવા (નંબર GJ 01 UA 5863) લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.આ દરમિયાન, લાડલી શોરૂમ સામેના ત્રણ રસ્તાથી થોડે આગળ અદાણી CNGની ગાસ્કેટ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને વેદાંતની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં વેદાંતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.










