શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દેતા ખળભળાટ મચી ગયો છે. કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જેને પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


અમદાવાદની દુર્ગા સ્કૂલની ગંભીર બેદરકારી

સીસીટીવી ફૂટેજ અને સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, રિસેસના સમયે એક વિદ્યાર્થીએ તેના મિત્રની બોટલમાં કેમિકલની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે બીજો વિદ્યાર્થી પાણી પીવા ગયો ત્યારે તેને વિચિત્ર ગંધ આવી હતી. તેણે અન્ય મિત્રોને પણ પાણી સૂંઘાડ્યું હતું, પરંતુ થોડું પાણી પી લેતા તેની તબિયત બગડી હતી અને તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો.

સ્કૂલ પ્રિન્સિપાલ કેતન શાહનું નિવેદન

આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ કેતન શાહે જણાવ્યું હતું કે, બાળકની તબિયત બગડતા જ સંચાલકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને હાલ તેની તબિયત સ્વસ્થ છે. જે વિદ્યાર્થીએ ગોળીઓ નાખી હતી તેના પિતા પતંગના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેથી શક્ય છે કે બાળક ઘરેથી પતંગના વ્યવસાયમાં વપરાતી કોઈ કેમિકલ ગોળીઓ લઈ આવ્યો હોય.

વિદ્યાર્થીને શાળામાંથી રજા પર ઉતારી દેવામાં આવ્યો 

ગોળીઓ નાખનાર વિદ્યાર્થીને હાલ શાળામાંથી રજા પર ઉતારી દેવામાં આવ્યો છે.બંને વિદ્યાર્થીઓ અગાઉ દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં સાથે હતા. તેમની વચ્ચે કોઈ મોટો ઝઘડો હોવાનું હાલ બહાર આવ્યું નથી. આ ઘટના બાદ શાળાએ વિદ્યાર્થીઓના બેગ ચેક કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ બાળકને દવા લેવાની હોય તો વાલીઓએ હાજર રહેવું પડશે તેવી કડક સૂચના અપાઈ છે.

DEO ની કાર્યવાહી બાકી

જોકે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં, હજુ સુધી શિક્ષણ વિભાગ (DEO) તરફથી શાળાને કોઈ નોટિસ આપવામાં આવી નથી કે કોઈ સત્તાવાર કાર્યવાહી શરૂ થઈ નથી. વાલીઓમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે કે સ્કૂલ કેમ્પસમાં બાળકો આવી જોખમી વસ્તુઓ કેવી રીતે લાવી શકે છે?

આ પણ વાંચો: Ahmedabad: અસારવામાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ, લોકોએ પાણી છાંટી જીવ બચાવ્યો

  • Follow us on: