કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવીનતમ આંકડા મુજબ, ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી છે. વર્ષ 2023 અને 2024 દરમિયાન રાજ્યમાં નાના-મોટા અકસ્માતોમાં કુલ 15,571 લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે માર્ગ સલામતીના નિયમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સ્થિતિ અત્યંત ચિંતાજનક
મંત્રાલયના અહેવાલ મુજબ, અકસ્માત માત્ર નેશનલ હાઈવે પૂરતા મર્યાદિત નથી, પરંતુ અન્ય ગ્રામીણ અને શહેરના આંતરિક માર્ગો પણ 'ડેથ ઝોન' સાબિત થયા છે. છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કુલ 4,425 લોકોના મોત નીપજ્યા છે.રાજ્યના ધોરીમાર્ગો પર આ આંકડો 4,462 પર રહ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે, જિલ્લા માર્ગો અને ગ્રામીણ રસ્તાઓ પર સૌથી વધુ 6,684 લોકોએ જીવ ગુમાવ્યા છે.