ઇસનપુરમાં મોડી રાત્રે અગાઉના ઝઘડાની અદાવત રાખીને સાત શખ્સોએ છરી, પાઇપો અને ધારિયાથી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આટલું જ નહિ હુમલાખોરોએ ઘરના દરવાજા પર પણ હુમલો કર્યો હતો. આ અંગે યુવકે પાંચ શખ્સો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઇસનપુરમાં રહેતા અસ્પાક ઘોઘારી ચંડોળા તળાવ ખાતે કબાડીનો ધંધો કરે છે. ગત 16 જુલાઇએ રાત્રીના સમયે તે ઘરની બહાર ઉભો હતો. તે દરમ્યાન અગાઉ જેની સાથે ઝઘડો થયો હતો તે હુસેનખાન પઠાણ તેના હાથમાં તીક્ષ્ણ છરી લઈને આવ્યો હતો. તેની સાથે ફેસલખાન પઠાણ હાથમાં ધારીયું, ફેઝાનખાન પઠાણ હાથમાં છરી, હુસેનખાનનો પુત્ર લોખંડની પાઇપ તેમજ ફરહાન પઠાણ અને અન્ય બે અજાણ્યા શખ્સો છરીઓ સાથે આવ્યા હતા. બાદમાં ટોળાએ અસ્પાક પર અચાનક હુમલો કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. હુમલા દરમ્યાન આરોપી હુસેનખાને છરીથી અસ્પાકના માથામાં હુમલો કર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓએ બેફામ લાતો મારીને મૂઢ માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં અસ્પાકે પોતાનો જીવ બચાવવા માટે ઘરનો દરવાજો ખોલી અંદર ઘૂસી જઈ દરવાજો બંધ કરી દીધો હતો. જોકે, હુમલાખોરોએ હથિયારો વડે ઘરના દરવાજા પર પ્રહારો કર્યા હતા અને આજે તો તું બચી ગયો છે પણ ફરી મળીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત અસ્પાકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો