નિકોલ વિસ્તારમાં આવેલી રાધે ગેલેક્સી રેસિડેન્સીના રહીશો છેલ્લા ૧૦ દિવસથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સોસાયટીના મુખ્ય ગેટની બિલકુલ સામે જ ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર તરફ્થી હજુ સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે પરિણામ શૂન્ય રહ્યું છે.
મહત્વનું છે કે સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા હોવાથી રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે સોસાયટીની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઈફોઈડ જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.
