નરોડા રોડ પર ગેરકાયદે દબાણોના કારણે ટ્રાફ્કિની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બની રહી છે. આ રોડ પર આવેલા વેપારીઓ અને પથારાવાળાઓ દ્વારા જાણે કાયદોનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ અડધા રોડ સુધી પોતાનો સામાન અને વાહનો ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નરોડા રોડ પર આવેલી ફરનીચર અને અન્ય વ્યવસાયની દુકાનોના માલિકો દ્વારા શો-રૂમની બહાર, ફૂટપાથ તો ઠીક પરંતુ છેક મુખ્ય જાહેર રોડ સુધી ફરનીચરનો સામાન ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડાના સ્થાનિક દુકાનદારોએ દુકાનોની બહાર ખુરશીઓ, સોફા, ગાદલાં અને ફરનીચર બનાવવા માટેનો કાચો માલ જાહેર માર્ગ પર જ અડિંગો જમાવીને પડયો છે. આ ઉપરાંત માલસામાનની હેરાફેરી માટે વપરાતી લારીઓ અને પેડલ રિક્ષાઓ પણ રોડની અધવચ્ચે જ પાર્ક કરી દેવામાં આવતી હોવાથી માર્ગ સાંકડો બની ગયો છે. મહત્વનું છે કે મુખ્ય માર્ગનો મોટો હિસ્સો આ પ્રકારના દબાણોમાં હોવાના કારણે પીક અવર્સ દરમિયાન અહીંથી પસાર થવું લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે. ટૂ-વ્હીલર ચાલકો અને રીક્ષા ચાલકોને આ દબાણોના કારણે અકસ્માત નડે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. સ્થાનિકોનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યારેક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ ગાડી ગઈ નથી કે તરત જ આ જગ્યાઓ પર ફરીથી દબાણો ઊભા થઈ જાય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: