અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ઉમંગ સે પતંગ NGO મીટનું એક અત્યંત પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ સમાજસેવાની એક નવીમશાલ પ્રગટાવવા સમાન બની રહ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વંચિત વર્ગ માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરતા મહાનુભાવોની સેવાઓને બિરદાવવાનો હતો જેમાં દરેકે એક સૂરે કહ્યું કે, સાચા અર્થમાં સમાજસેવા એ જ છે જેમાં છેવાડાના અને વંચિત લોકોને સક્ષમ બનાવવામાં આવે. આ જ ઉમદા વિચારને સાર્થક કરતા ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધૂ અસ્મિતાબેન ઠક્કર અને પિન્કી બેન મોદીદ્વારા સમાજના એક અત્યંત સંવેદનશીલ વર્ગ માટે ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ પરિવાર દ્વારા તેમના NGOના માધ્યમથી ખાસ કરીને મૂક-બધિર (દિવ્યાંગ) અને આર્થિકરીતે પછાત ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડીને તેમને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનું ઉમદા બીડું ઝડપવામાં આવ્યું છે. તેઓનું આ કાર્ય માત્ર સેવા જ નહીં, પરંતુ સમાજમાં એક સાચી અને સકારાત્મક ક્રાંતિ લાવી રહ્યું છે. આ બાળકોના અંધકારમય જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કાર્ય કર્યું છે.
