શહેરના વિવિધ રૂટો ઉપર દોડાવાતી AMTSના 10 BRTS બસના 3 ડ્રાઈવરો બસ સ્ટેન્ડ ઉપર બસ ઊભી રાખતા નહીં હોવા ઉપરાંત ઓવરસ્પીડથી બસ ચલાવતા હોવાની વ્યાપક ફરિયાદો પછી ગુરુવારે AMC એઅલગ-અલગ રૂટો ઉપર સરપ્રાઈઝ ચેકિંગ કરીને કુલ 13 ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધા છે. છેલ્લા 3 વર્ષમાં સરકારી અને કોન્ટ્રાક્ટ પર ચાલતી આ બસોના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે, જેમાં કેટલાય નાગરિકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે.AMTSના અમુક ડ્રાઈવરો રસ્તા પર પોતાનીબસને 'રાજા' સમજે છે. ટ્રાફ્કિના નિયમો ભંગ કરવા બદલ જો કોઈ સામાન્ય વાહનચાલક ટોકે, તો બસ આડી ઊભી રાખીને રસ્તા પર જ તમાશો કરે છે. છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસો દ્વારા અંદાજે 150થી વધુ નાના-મોટા અકસ્માતો નોંધાયા છે. તેમાંય એએમટીએસ અને બીઆરટીએસ કેટલાંક ડ્રાઈવરો એટલા બેદરકાર અને નશામાં હોય છે કે કોઈના કહ્યામાં જ નથી. તેમના દ્રારા કરાયેલા અકસ્માતોની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં 45થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સૌથી મોટી ફરિયાદો વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોની છે કે આ તો શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ કે ગુન્ડાગીરીનું સામ્રાજ્ય? સામાન્ય રીતે બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ કે વૃદ્ધો ટોળે વળેલા દેખાય, એટલે કેટલાંક ડ્રાઈવરો સીનસપાટા કરવા જાણીજોઈને બસ ઊભી રાખતા જ નથી અને સ્પીડમાં ભગાડી મૂકે છે. ગુજરાતમાં દારુ બંધી છે એ તો જગજાહેર છે પણ એએમટીએસ અને બીઆરટીએસના કેટલાક ડ્રાઈવરો આ નિયમને ગાંઠતા જ નથી. પોલીસ અને એએમસીના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન છેલ્લા 3 વર્ષમાં 16થી વધુ ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતા રંગેહાથ ઝડપાયા છે, જે મુસાફરોની સુરક્ષા સામે બહુ મોટો સવાલ છે.
