અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શાંતિ અનુભૂતિ’ દિવ્ય સમારોહનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 60 હજાર જેટલા ભાઈ-બહેનો શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આ વિશાળ જનમેદનીએ એકસાથે બેસીને વૈશ્વિક શાંતિ માટે સામૂહિક મેડિટેશન કર્યું હતું. સમગ્ર ગ્રાઉન્ડ ‘ઓમ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં એક દિવ્ય શાંતિનો અહેસાસ પ્રસરી ગયો હતો. આ સમારોહ દ્વારા વિશ્વભરમાં શાંતિ અને ભાઈચારાનો શક્તિશાળી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિશ્વ ધ્યાન દિવસની અનોખી ઉજવણી
આ દિવ્ય મહોત્સવમાં માત્ર આધ્યાત્મિકતા જ નહીં, પરંતુ કલા અને સંસ્કૃતિનો પણ અદભૂત સંગમ જોવા મળ્યો હતો. સપ્તરંગી થીમ પર આધારિત આ કાર્યક્રમમાં વિવિધ કલાકારો દ્વારા ગીત, નૃત્ય અને આધ્યાત્મિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બ્રહ્માકુમારી સંસ્થાના અગ્રણીઓએ આ તકે જણાવ્યું હતું કે, આજના ભાગદોડભર્યા જીવનમાં માનસિક શાંતિ અત્યંત અનિવાર્ય છે. શ્વેત વસ્ત્રધારી બ્રહ્માકુમારી અનુયાયીઓ શાંતિદૂત બનીને સમાજમાં સકારાત્મકતા ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમે અમદાવાદના આંગણે એક નવી આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો છે.













