જીવન દરેક માટે સરળ હોતું નથી. જ્યાં સુધી આપણને બીજાના સંઘર્ષ, તેમની પીડા કે તેમની લાચારીનો અહેસાસ થતો નથી, ત્યાં સુધી માણસ મોટાભાગે પોતાને મળેલા અમૂલ્ય જીવન વિશે ફરીયાદો જ કરતો રહે છે. પરંતુ રસ્તા પરનું આ દૃશ્ય જિંદગીની નાની-મોટી ફરીયાદોને એક જ પળમાં શાંત કરી દેવા માટે પૂરતું છે. સામાન્ય રીતે આઠ-નવ વર્ષની ઉંમરે બાળકો પોતાના માતા-પિતાની આંગળી પકડીને ચાલતા હોય છે, પરંતુ અહીં વાસ્તવિકતા અલગ છે. શહેરના ધગધગતા ડામરના રસ્તા પરથી પૂરપાટ દોડતી ગાડીઓ વચ્ચે એક નાનકડી દીકરી માત્ર ટ્રાફ્કિવાળો રસ્તો જ પાર કરાવી રહી નથી, પરંતુ પોતાના પ્રજ્ઞાચક્ષુ માવતરની જિંદગીની નૈયાને પોતાના નાનકડા ખભા પર ઊંચકીને પાર કરાવી રહી છે. પિતા કોલેજ ડ્રોપઆઉટ છે, જ્યારે માતાએ સંગીતમાં વિશારદની પદવી મેળવી છે. સંગીતના કાર્યક્રમો મળે તો ઘરમાં પૈસા આવે છે; નહીં તો રસ્તા પર ભીખ માંગીને ઘરનું ગુજરાન ચાલે છે. આ આજના આપણા કહેવાતા વિકસિત સમાજની વ્યવસ્થા પર એક મસમોટો તમાચો છે. છતાં આ મજબૂરીના અંધકાર વચ્ચે પણ તેમની આશા મરી નથી અને એ જીવંત આશા એટલે તેમની આગળ ચાલતી આ દીકરી નાયરા. ધોરણ ચારમાં ભણતી આ બાળકીનો એક હાથ રસ્તા પર આવતી મુસીબતોને એટલે કે ગાડીઓને જાણે સમય બનીને પડકાર ફેકી રહ્યો છે અને બીજો હાથ માવતરનો મજબૂત સહારો બન્યો છે. માતા-પિતા ભલે આંખે જોઈ ન શકતા હોય, પરંતુ દીકરીના અકબંધ સપનામાં તેઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને આવતીકાલનું અજવાળું સ્પષ્ટ જોઈ રહ્યા છે. 'સંદેશ'ના ફોટોજર્નાલિસ્ટે દીકરી સાથે વાત કરી ત્યારે તેના શબ્દો કોઈ પણ પથ્થરદિલ માણસને પીગળાવી દે તેવા હતા. તેણે પૂરી નિખાલસતા અને આત્મવિશ્વાસથી કહ્યું, 'હું ભણીશ, ખૂબ આગળ વધીશ અને મારા મમ્મી-પપ્પાને એક સારી જિંદગી આપીશ.'આ માત્ર એક બાળકીના બોલ નથી, આ ગરીબી, અંધકાર અને લાચારી સામે બળવો પોકારતો એક નાનકડો પણ અડગ દીવો છે. આજે ભલે આ દીકરી આકરા તાપમાં રસ્તો પાર કરાવતી હોય, પરંતુ એ વાત નક્કી છે કે આવતીકાલે આ જ દીકરી પોતાના માવતરને અંધકારમાંથી બહાર કાઢીને ઉજાસના શિખર સુધી ચોક્કસ પહોંચાડશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: