અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિચિત મિત્રએ જ વિશ્વાસઘાત કરીને પોતાના મિત્રના બંધ ઘરમાંથી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજની મદદથી આ 45 વર્ષીય આરોપી શ્રેય પંચાલને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગત એવી છે કે, દરિયાપુરના રહેવાસી નીરવભાઇ પ્રજાપતિએ 22 નવેમ્બરના રોજ જગતપુર ખાતે નવું મકાન રાખ્યું હોવાથી તેઓ વાસ્તુના પ્રસંગ માટે બે દિવસ માટે જૂના નિવાસસ્થાનને તાળું મારીને ગયા હતા. તેમના પરિચિત મિત્ર શ્રેય પંચાલને આ અંગે આમંત્રણ મળ્યું હતું.
મિત્રતાના મુખવટા પાછળ ચોર
આ આમંત્રણનો લાભ લઈને છ માસથી બેકાર અને દેવાદાર બનેલા શ્રેય પંચાલે ચોરીનું કાવતરું રચ્યું હતું. શ્રેય પંચાલ અગાઉ આ ઘરમાં ઇન્ટિરીયર ડિઝાઇનનું કામકાજ કરાવતા હોવાથી તમામ ગોઠવણથી વાકેફ હતો. નીરવભાઈની ગેરહાજરીનો લાભ લઈ, શ્રેયે સ્લાઇડરવાળી બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો અને ચોરી કરી. નીરવભાઈ 24મીએ ઘરે પરત ફર્યા ત્યારે લોક ખુલ્લું જોતાં ચોંકી ઉઠ્યા હતા. ઘરમાંથી ડ્રોઅરમાં રાખેલા ₹12 લાખ રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹23.10 લાખની મત્તા ગાયબ હતી. દરિયાપુર પોલીસે તપાસ હાથ ધરીને 100થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. જેમાં એક વાહનનો નંબર અને આરોપીએ પહેરેલું ટી-શર્ટ પોલીસને શ્રેય પંચાલ સુધી લઈ ગયું હતું. આરોપીએ દેવું થઈ જતાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હાલમાં ચોરી કરાયેલા રોકડા રૂપિયા અને દાગીના રિકવર કરવા માટે તપાસ તેજ કરી છે.
