અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન સરસપુરના આંગણે ભક્તિ અને આધ્યાત્મિકતાનો એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. સરસપુર સ્થિત ઐતિહાસિક શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે સંસ્કૃત પુનરુત્થાન અને સંસ્કૃતિના જતન ના વિઝનને સાર્થક કરતો એક ભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવના ચીફ્ કો-ઓર્ડિનેટર સહિતના મહારાજના માર્ગદર્શન હેઠળ આ વર્ષે સંસ્કૃત પ્રચાર-પ્રસારના અનોખા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સરસપુર ખાતે બે લાખથી વધુ જનમેદથી ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની પવિત્ર નિશાની ધ્વજાનું બાલા હનુમાનજી મંદિર ખાતે આગમન થયું હતું, જેનું ભક્તિભાવપૂર્વક પૂજન કરાયા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય ભવ્ય રથો વારાફરતી અતિ આદરપૂર્વક મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. આ શુભ પ્રસંગે ત્રણેય દિવ્ય રથોમાં પવિત્ર ચાંદીની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે વિશેષ રૂપે, દેવવાણી સંસ્કૃત ભાષાના ગૌરવ અને પ્રચાર માટે ચાંદીની ચરણ પાદુકાની સાથે-સાથે પવિત્ર 'શ્રીમદ્ ભગવદ્ ગીતાજી' પણ ત્રણેય રથોમાં પૂજ્યભાવે અર્પણ કરવામાં આવી હતી. ચીફ્ કો-ઓર્ડિનેટરે કહ્યું કે, આ આયોજનનો મુખ્ય હેતુ નવી પેઢીમાં સંસ્કૃત ભાષાના સંસ્કારોનું સિંચન કરવાનો અને સનાતન ધર્મના પુનરુત્થાનનો છે.
સરસપુર ખાતે અંદાજિત 2 લાખથી વધુ ભક્તોની વિશાળ જનમેદની ઊમટી પડી હતી અને સમગ્ર સરસપુર પંથક 'જય જગન્નાથ'ના ગગનભેદી નારાઓ સાથે ગુંજી ઊઠયો હતો. લાખોની ભીડ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આખો મહોત્સવ અત્યંત શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો