અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએક તરફ્ ક્લીન અમદાવાદ અને જળાશયોના સંવર્ધનની મોટી-મોટી વાતો કરે છે, તો બીજી તરફ્ જમીની હકીકત કાંઈક ઓર જ છે. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં આવેલા સોહમ તળાવને બચાવવાને બદલે, AMCના અધિકારીઓની મિલીભગતથી આ ઐતિહાસિક તળાવમાં ઈરાદાપૂર્વક કચરો અને મકાનનો કાટમાળ ઠાલવી તેને પૂરી દેવામાં આવી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ સ્થાનિકો દ્વારા ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે સોહમ તળાવ કે જે આ વિસ્તારનું એકમાત્ર કુદરતી જળાશય હતું, તે છેલ્લા કેટલાક સમયથી કચરાપેટી બની ગયું છે. AMCની ગાડીઓ અને ખાનગી ટ્રેક્ટરો દ્વારા અહીં રોજેરોજ ગમે તેમકચરો, ગંદકી અને તોડેલા મકાનોનો કાટમાળઠાલવવામાં આવે છે. આ રીતે ધીમે-ધીમે તળાવના વિસ્તારમાં દબાણ ઊભું કરીને તેને પૂરવાનો કારસો ચાલી રહ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે AMCના કમિશનર અને હેલ્થ વિભાગ તાત્કાલિક દખલગીરી કરે અને આ ગેરકાયદે પુરાણકામને બંધ કરાવી તળાવનું સંવર્ધન કરે તેવી આક્રમક માંગણી છે. અહીં વાહનો કાટમાળ લાવીને અહીં ઠાલવી રહ્યા છે આખું મેદાન કચરાથી ખદબદી રહ્યું છે. આ કચરાના ઢગલા પર ગાયો અને પક્ષીઓ પ્લાસ્ટિક અને અન્ય ગંદકી ખાવા માટે મજબૂર બન્યા છે. તળાવના કિનારા પર કચરો, ઇંટોના ટુકડા અને ભંગારના ઢગલા ખડકાયેલા છે. આસપાસ ઉગેલા બિનજરૂરી ઝાડી-ઝાંખરાં પણ ગંદકીથી ભરેલા છે. આ જગ્યાને સાફ કરવામાં આવે અને દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે