અમદાવાદના મુખ્ય માર્ગો પૈકી એક એવા સુભાષ બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની સંરચનામાં મોટી તિરાડ જોવા મળવાને કારણે આ નિર્ણય લેવાયો છે, જેનાથી શહેરીજનોને અગવડ પડી રહી છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડવા ઉપરાંત વાઈબ્રેશન (ધ્રુજારી) પણ જોવા મળ્યા છે, જે જાહેર સલામતી માટે જોખમી છે.
દેવાંગ દાણીનું નિવેદન
AMC તંત્ર દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. દેવાંગ દાણીએ માહિતી આપી કે, AMC ની 5 એમ્પેનલ (સૂચિબદ્ધ) કંપનીઓ દ્વારા બ્રિજનું તાત્કાલિક ઈન્સ્પેક્શન (નિરીક્ષણ) કરવામાં આવશે. ચેરમેને ખાતરી આપી કે નિરીક્ષણ બાદ આ કંપનીઓનો રિપોર્ટ આવશે તે મુજબ જ બ્રિજની મરામત અને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ પૂરતું બ્રિજ બંધ રહેવાથી વાહનવ્યવહારને અન્ય માર્ગો પર વાળવામાં આવ્યો છે.













