સરકાર દ્વારા બાળકોના પોષણ અને પ્રારંભિક શિક્ષણ માટે લાખો રૂપિયાના ખર્ચે આંગણવાડીઓ બનાવવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ કેન્દ્રો આજે ગંદકીના ઘર બની ગયા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંભા વોર્ડમાંથી સામે આવ્યો છે. લાંભા વોર્ડના નારોલ-શાહવાડી વિસ્તારમાં આવેલી બે સરકારી આંગણવાડીઓ હાલ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની છે.મહત્વનું છે કે આ બંને આંગણવાડી કેન્દ્રોની ઇમારતો તો રંગબેરંગી કલર કરીને આકર્ષક બનાવવામાં આવી છે, પરંતુ તેની આસપાસની વાસ્તવિકતા અત્યંત ભયાનક અને ચિંતાજનક છે.
આંગણવાડીની બિલકુલ બાજુમાં અને પાછળના ભાગે પ્લાસ્ટિકના કચરાના ઢગલા, એઠવાડ અને બાંધકામનો કાટમાળ વેરવિખેર પડેલો જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે આવા ખુલ્લા પ્લોટ અને કચરાના ઢગલામાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને ડેન્ગ્યુ-મેલેરિયા જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી આશંકા છે. માસૂમ બાળકો આવા અસ્વચ્છ વાતાવરણમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જે તેમના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે.










