સામાન્ય રીતે પોલીસની છબી કડક શિસ્ત અને ગુનાખોરી ડામવા માટે જાણીતી હોય છે, પરંતુ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસનો એક અલગ જ ‘માનવીય અભિગમ’ જોવા મળ્યો છે. શહેરના ઝોન-5 DCP જીતેન્દ્ર અગ્રવાલની પ્રેરણાથી ખોખરા સ્થિત ‘I’ ડિવિઝન ACP ઓફિસ ખાતે એક અનોખા દાન પુન દાન કેન્દ્ર’ની શરૂઆત કરવામાં આવી છે.


પોલીસનો એક અલગ જ માનવીય અભિગમ

આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના સદ્ધર લોકો પાસે રહેલી વધારાની વસ્તુઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો છે. ઘણીવાર આપણા ઘરમાં એવા કપડાં, પગરખાં કે અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પડી હોય છે જે આપણા માટે નકામી હોય છે, પરંતુ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ માટે તે ખૂબ જ મૂલ્યવાન સાબિત થઈ શકે છે.

આ કેન્દ્રની વિશેષતાઓ

કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા મુજબ કપડાં, પગરખાં, રમકડાં કે અન્ય ઉપયોગી વસ્તુઓ અહીં મૂકી શકે છે. જે લોકો પાસે પૂરતા સાધનો નથી, તેઓ આ કેન્દ્ર પર આવીને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ વિનામૂલ્યે લઈ જઈ શકે છે. પોલીસ અહીં માત્ર સુરક્ષાકર્મી નહીં પણ સમાજ અને જરૂરિયાતમંદો વચ્ચે એક સેતુ તરીકેની ભૂમિકા ભજવી રહી છે.

DCP જીતેન્દ્ર અગ્રવાલનો અભિગમ

DCP જીતેન્દ્ર અગ્રવાલ દ્વારા લેવામાં આવેલી આ પહેલની સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. પોલીસ અધિકારીઓના મતે, આ કેન્દ્ર શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે કોઈની બિનઉપયોગી વસ્તુ બીજાના જીવનમાં ખુશીઓ લાવી શકે. આ પ્રકારના સેવાકીય કાર્યોથી પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને વિશ્વાસપાત્ર બને છે.

આ પણ વાંચો:પરિણીતાની લાજ લેવાનો પ્રયાસ કરનાર ઝડપાયો, આરોપી સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ


  • Follow us on: