સ્માર્ટ સિટી અમદાવાદના મધ્ય ઝોનના અસારવા વિસ્તારના કલાપીનગર પાસે સરકારી તંત્ર અને કાયદાનોડર ઓગળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જાહેર ફૂટપાથ અને સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણ થતાં નાગરિકોને ભારે હાલાકીનો સામે કરવો પડી રહ્યો છે. તેમ છતાં એસ્ટેટ વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, તેવી સ્થાનિકોની ફરિયાદ છે.


અસારવાના કલાપીનગરમાં સહજાનંદ સિલ્ક પેલેસની બાજુમાં નાગરિકોની સુવિધા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ દિશા સૂચક બોર્ડ ગાયબ કરી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, તે જ સ્થળે ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે RCC પિલ્લર ઊભો કરી દેવાયો હોવાનો પણ આક્ષેપ છે. પરિણામે રાહદારીઓને જીવના જોખમે રોડ પર ચાલવાનીફરજ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે ગટર અને પાણીની મુખ્ય લાઇન પર થયેલા ગેરકાયદેસર દબાણને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડે આશરે છ મહિના પહેલાં નોટિસ ફ્ટકારી હતી. તેમ છતાં આજદિન સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી ન થતાં ગટર અને પાણીની વ્યવસ્થા પર અસર થવાની તેમજ આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કાર્યવાહી ન થતાં દબાણકારો અન્ય સરકારી જમીન પર પણ કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમગ્ર મામલે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. કલાપીનગર જેવા વ્યસ્ત વિસ્તારમાં જાહેર ફૂટપાથ પર દબાણ અને સરકારી બોર્ડ ગાયબ થઈ જાય છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થાનિકોએ અધિકારીઓની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારી દિશા સૂચક બોર્ડ ગાયબ થવા છતાં હજુ સુધી FIR અથવા અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત ફૂટપાથ પર RCC પિલ્લરનું બાંધકામ થઈ ગયું હોવા છતાં એસ્ટેટ વિભાગ દ્વારા અસરકારક પગલાં ન લેવાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની છ મહિના જૂની નોટિસનું પાલન કેમ કરાવવામાં આવ્યું નથી તે અંગે પણ લોકો સ્પષ્ટતા માગી રહ્યા છે.

સ્થાનિક રહીશોએ ચેતવણી આપી છે કે જો AMC દ્વારા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને આંદોલનનો માર્ગ અપનાવશે. સ્માર્ટ સિટીની સંકલ્પનાને સાર્થક બનાવવા માટેકમિશનર કક્ષાએથી પારદર્શક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: