અમદાવાદ : વટવા GIDC અને વટવા ગામને જોડતા મુખ્ય રસ્તા પર છેલ્લા 6 મહિનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિકાસના નામે શરૂ કરાયેલું કામ અત્યારે વહીવટી તંત્રની આળસ અને ગોકળગાયની ગતિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. રસ્તો સંપૂર્ણપણે બ્લોક કરી દેવાતા હજારો નોકરિયાતો, શ્રમિકો અને સ્થાનિક લોકોનો દૈનિક સંપર્ક ખોરવાયો છે.
મહત્વનું છે કે ડામરના પાકા રસ્તાના સ્થાને અત્યારે માત્ર ધૂળ-માટીનો કાચો રસ્તો બચ્યો છે. હાઈ-વોલ્ટેજ વીજળીના ટાવર નીચેથી પસાર થતા આ અતિ વ્યસ્ત રસ્તા પરથી ટુ-વ્હીલર ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. વાહનો પસાર થતાં જ ઊડતી ધૂળની ડમરીઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકોનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે.
