CTM પાસે આવેલી AMCની સબઝોનલ કચેરીથી ભાઈપુરા વોર્ડમાં કુલદીપ એપાર્ટમેન્ટ સુધીના માર્ગ પર સ્થાનિક રહીશો અને વાહનચાલકો તંત્રની અણઘડ નીતિનો ભોગ બનીરહ્યા છે. વર્ષોથી લટકતા આ ટી.પી. રોડને ખુલ્લો કરવા માટે એક વર્ષ પહેલાં તંત્રએ ધડાધડ દબાણો દૂર કર્યા હતા અને 20 ફૂટના સાંકડા રસ્તાને મોટો કરી નવો પાકો ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, સબઝોનલ કચેરી પાસેના માત્ર 100 ફૂટ જેટલા ભાગમાં આવેલા થોડાક મકાનોના ઓટલા અને દિવાલો દૂર ન કરાતા, કરોડોના ખર્ચે બનેલો આખો રોડ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલદીપ એપાર્ટમેન્ટથી લઈ સબઝોનલ કચેરી સુધીના આશરે એક કિલોમીટરના માર્ગ પરથી દબાણો હટાવીને નવો ચકચકાટ ડામર રોડ બનાવી દેવામાં આવ્યો છે. પરંતુ મુખ્ય જંકશન એટલે કે CTM સબઝોનલ કચેરી પાસે આવતા જ 100 ફૂટ જેટલા ભાગમાં દબાણો યથાવત રાખવામાં આવ્યા છે.
