અમદાવાદમાં મકરબા, હેબતપુર પછી હવે પંચવટી જંકશન ઉપર રૂ.101.92 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજનો વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2011માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પાસે શહેરના વિવિધ જંકશન ઉપર રહેતા ટ્રાફ્કિને લઈ સર્વે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોને અભેરાઈ પર ચડાવી દઈ મ્યુનિસિપલ કોર્પોરેશને IITRAM(ખોખરા)ના સૂચન પર અમલ કરીને ફ્લાયઓવરબ્રિજની મૂળ ડિઝાઇનમાં મોટો ફેરફાર કરી તેને અંદાજે 900 મીટર લાંબા 'એલ' શેપ સાથે બનાવવાનો નિર્ણય કર્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે, સી.આર.આર.આઈ.ના રિપોર્ટમાં પંચવટી જંકશન ઉપર ફ્લાયઓવરબ્રિજ બનાવવાની ભલામણ જ નહોતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભાજપને કોઈપણ બ્રિજ સમયસર અને પ્લાનિંગ મુજબ પૂરો થાય એ વાતમાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. આ બાબતને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને હોદ્દેદારો વર્ષ 2011થી અનુસરી રહ્યા છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા વર્ષ 2011માં શહેરના 34થી વધુ ટ્રાફ્કિ જંકશન ઉપર ફ્લાયઓવરબ્રિજ બનાવવા કોર્પોરેશનને આપેલા રિપોર્ટમાં સૂચન કર્યું હતું. આ પૈકી 15થી વધુ ટ્રાફ્કિ જંકશન ઉપર ફ્લાયઓવરબ્રિજ બની ગયા છે. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે, તેના રિપોર્ટમાં પંચવટી જંકશન ઉપર ફ્લાયઓવરબ્રિજ બનાવવાનો ઉલ્લેખ જ નહોતો. તેના બદલે સી.આર.આર.આઈ.એ પરિમલ ગાર્ડન ક્રોસરોડ નજીક ફ્લાયઓવરબ્રિજ બનાવવા સૂચન કર્યું હોવાનું કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.