અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે પૂર્વ વિસ્તારની વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરે છે. સરદારનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખોના ખર્ચે જાહેર જનતાની સુવિધા માટે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ આજે આ જગ્યા માત્ર કાગળ પર કે બોર્ડ પૂરતી જ સીમિત રહી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.
કોર્પોરેશને મોટા અક્ષરે એએમસી - પે એન્ડ પાર્કનું બોર્ડ તો લગાવી દીધું છે, પરંતુ તેની બિલકુલ પાછળનો નજારો જોવા જેવો છે. પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી આ આખી જગ્યામાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે અને ચારેય તરફ્ ગંદકી તેમજ પ્લાસ્ટિકના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આસપાસની દીવાલો પર જાહેરાતોના પેઇન્ટિંગ સિવાય તંત્રની કોઈ જ જાળવણી દેખાતી નથી.










