અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ જાનીયાપીર ટેકરા વિસ્તાર એક તરફ્ સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે મૂળભૂત સુવિધાઓ પણ હજુ સુધી છેવાડાના માણસ સુધી પહોંચી નથી. સ્થાનિક રહેવાસીઓની વારંવારની રજૂઆતો છતાં, આ વિસ્તારનો મુખ્ય રોડ આજદિન સુધી કાચો જ રહ્યો છે. આ વિસ્તારમાં રોડના નામે અહીં માત્ર ધૂળ, માટી અને કપચીનું સામ્રાજ્ય છે. પાકા રોડના કોઈ ચિહન અહીં જોવા મળતા નથી. આ કાચો રસ્તો ન માત્ર મુસાફરીને કઠિન બનાવે છે, પણ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. સતત ઉડતી ધૂળ રહેવાસીઓ માટે શ્વાસની બીમારીઓનું કારણ બની રહી છે, જ્યારે પથ્થરો પરથી વાહનો સ્લિપ થવાનો ભય સતત રહે છે. મહત્વનું છે કે ચોમાસામાં તો આ રસ્તો ચાલવા જેવો પણ રહેતો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામગીરી શૂન્ય છે. શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ અહીં માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા જ દેખાય છે. શું ટેક્સ ભરતા આ નાગરિકો પાકા રોડ માટે લાયક નથી? મહત્વનું છે કે , આખા રસ્તા પર પથ્થર અને ખડી વેરાયેલી પડી છે. આ કાચા રસ્તા પરથી પસાર થતી વખતે વૃદ્ધો અને બાળકો માટે લપસી પડવાનો જોખમ છે. ટુ-વ્હીલર ચાલકો માટે તો આ રસ્તો જમદૂત સમાન બની ગયો છે. માત્ર વાહનો જ નહીં, પેદલ ચાલવું પણ અહીં દૂષ્કર છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે અનેકવાર કોર્પોરેટર અને સંબંધિત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. દર વખતે માત્ર જોઈ લઈશું કહીને ટાળી દેવામાં આવે છે. લાગે છે કે તંત્ર માત્ર કાગળ પર કામ કરે છે, જમીન પર કોઈ ફરક પડયો નથી. ધૂળથી ઉભરાતા રસ્તાઓ ચોમાસામાં કાદવથી લથબથ બની જાય છે, જેના કારણે રોગચાળાનો ભય પણ વધે છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: