શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં ગત ઉત્તરાયણ દરમિયાન થયેલી કરોડોની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રીઢા ગુનેગાર કમલેશ ઉર્ફે ગૂગો પરમાર અને મેહુલ પરમારની ધરપકડ કરી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

પરિવાર દુબઈ હતો અને તસ્કરોએ હાથ સાફ કર્યો

માણેકબાગ સોસાયટીમાં રહેતા જાણીતા ડૉક્ટર અને તેમનો પરિવાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે 16 જાન્યુઆરીના રોજ દુબઈ ફરવા ગયો હતો. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓ રિક્ષા લઈને આવ્યા હતા અને આશરે એકથી દોઢ કલાક સુધી ઘરમાં રહીને સેફ લોકર તોડ્યું હતું. લોકરમાંથી 203.5 તોલા સોનાના દાગીના, ડાયમંડના ઘરેણાં અને ₹45 લાખ રોકડ મળી કુલ ₹1.47 કરોડની મતાની ચોરી કરી હતી.

પુરાવા નાશ કરવા DVR નદીમાં ફેંક્યું

શાતિર તસ્કરોએ ઓળખ છુપાવવા માટે ઘરના સીસીટીવી કેમેરાનું DVR (ડિજિટલ વિડિયો રેકોર્ડર) પણ ચોરી લીધું હતું અને બાદમાં તેને સાબરમતી નદીમાં ફેંકી દીધું હતું. જોકે, ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આસપાસના રસ્તાઓના 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: Sayla: ચોરવીરામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો, 20 કોલસાના કૂવાઓ ઝડપાયા