તાજેતરમાં આત્મવિશ્વાસ, મહત્ત્વાકાંક્ષા અને આધુનિક ભારતીય મહિલાઓની અસાધારણ સફર શેર કરવા માટે પેલેડિયમમાં 'ક્રાઉન એન્ડ કન્વર્સેશન્સ' મોટિવેશનલ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની પ્રથમ મિસિસ વર્લ્ડ, અભિનેત્રી, ડૉક્ટર અને પ્રેરણાદાયી મહિલાઓમાંની એક ડૉ. અદિતિ ગોવિત્રિકરે હાજરી આપી હતી. આ પ્રસંગે આશાવાદી મહિલાઓ, સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓ, ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો, સર્જકો અને સમાજમાં પરિવર્તન લાવનારાઓ એકત્રિત થયા હતા. જેમની સાથે ઇન્ટરેક્શન કરતા ડૉ. અદિતિએ કહ્યું કે, તાજ માત્ર સૌંદર્યનું પ્રતિક નથી; તે હિંમત, સ્થિતપ્રજ્ઞા, હેતુ અને પોતાની કહાનીને આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારવાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. દરેકે વિશ્વાસ રાખવો જોઇએ કે તેમની સફર મહત્વપૂર્ણ છે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે ક્યારેય મોડું થતું નથી. દરેક પરિસ્થિતિમાં માનસિક સંતુલન જાળવીને આગળ વધવાની ક્ષમતા દરેક મહિલામાં છે જ. સપનાઓને સાકાર કરવા માટે ઉંમર કે સમયની કોઇ સીમા હોતી નથી.
