ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી DyCM હર્ષ સંઘવીએ રાજ્યના ગુનેગારો અને અસામાજિક તત્વોને અત્યંત કડક શબ્દોમાં ચીમકી આપી છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં શાંતિ જાળવવા માટે ગુનેગારોના મનમાં પોલીસનો ખોફ હોવો અનિવાર્ય છે. તેમણે પોલીસ અધિકારીઓને આદેશ આપતા જણાવ્યું કે, જો કોઈ ગુનેગાર સમાજની સુરક્ષા જોખમાવે અથવા કાયદો હાથમાં લે તો તેની સામે એટલી કડકાઈથી કામ કરો કે તેની જીવવાની હિંમત પણ તૂટી જાય. સંઘવીએ ટકોર કરી હતી કે ગુનેગારો પોતાની ચાલ બદલે તેમાં પોલીસનો કોઈ ગુનો નથી, પરંતુ પોલીસે ગુનેગારો સાથે કોઈ પણ જાતની નરમાશ રાખવી જોઈએ નહીં.
ખાખીનો ખોફ અને કાયદાનું શાસન
પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવવા માટે પણ હર્ષ સંઘવીએ મહત્વનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, જો મંત્રીઓ લોકોને સીધા મળી શકતા હોય, તો પોલીસ અધિકારીઓએ પણ લોકો માટે સમય નક્કી કરવો જોઈએ જેથી સામાન્ય નાગરિકો પોતાની રજૂઆત સીધી કરી શકે. પોલીસ સ્ટેશનોમાં લોકોનો વિશ્વાસ વધે અને ગુનેગારોમાં ડર પેદા થાય તેવું વાતાવરણ ઉભું કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. 'ગુનેગારોની જેમ વર્તશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો' તેવી સીધી ચેતવણી આપીને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
