ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનધારકોએ સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. અગાઉ થયેલા સમાધાનમાં કેટલાક મહત્વના મુદ્દાઓ બાકી રહી જતા અને ખાસ કરીને કમિશન વધારા જેવી મુખ્ય માંગણીઓ પર સરકાર દ્વારા મંજૂરી ન મળતા દુકાનધારકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર, સરકાર સમક્ષ કુલ 14 જેટલા પડતર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ લાંબા સમયની રાહ જોયા બાદ પણ સંતોષકારક નિર્ણય ન આવતા હવે હડતાળ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો સરકાર વહેલી તકે આ માંગણીઓ સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં રાજ્યભરમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી શક્યતા છે.
રેશનિંગ સંચાલકોના આકરા તેવર
દુકાનધારકોની મુખ્ય માંગણીઓમાં વેચાણ પર મળતા કમિશનમાં વધારો કરવો અને વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવી શામેલ છે. એસોસિએશનનું કહેવું છે કે મોંઘવારીના જમાનામાં જૂના દરે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. અગાઉ સરકાર અને એસોસિએશન વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી, જેમાં કેટલીક ખાતરીઓ આપવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ન થતા સંચાલકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. આ હડતાળની ચીમકીને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મળતા અનાજ પર સીધી અસર પડશે, જેના કારણે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.













