અમદાવાદ પૂર્વ વિસ્તારની જનતા માટે જીવાદોરી સમાન ગણાતો મેમ્કો બ્રિજ હાલ સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો છે. શહેરના અન્ય તમામ બ્રિજ પર વ્યવસ્થિત સ્ટ્રીટ લાઈટના પોલ લગાવવામાં આવ્યા છે, જ્યારે મેમ્કો બ્રિજ પર માત્ર 10 હાઇમાસ ટાવરના ભરોસે વાહનચાલકોને છોડી દેવાયા છે. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા બે વર્ષથી આ 10 ટાવરની લાઈટો સફેદને બદલે સાવ પીળી પડી ગઈ છે, જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા નરોડા ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરને આ અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. રાત્રિના સમયે આ બ્રિજ પરથી કોઈ ઉચ્ચ અધિકારી નાઈટ રાઉન્ડ મારતા ન હોવાથી આ લાઈટો તંત્રને ધ્યાને આવતી નથી.










