અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને કિંમતી MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
MD ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા
કૃષ્ણનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો બાઈક પર નશીલા પદાર્થનો જથ્થો લઈને પસાર થઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને રામપાલ બિશ્નોઈ અને મહેન્દ્ર બિશ્નોઈ નામના બે શખ્સોને આંતર્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી 28 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ₹84,000 જેટલી થાય છે.
કુલ 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી એક બાઈક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો તેઓ રાજસ્થાનના જોધપુર હાઈવે પર આવેલા એક ધાબા પરથી લાવ્યા હતા અને અમદાવાદમાં તેનું વેચાણ કરવાના હતા.
કૃષ્ણનગર પોલીસની કાર્યવાહી
કૃષ્ણનગર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ કોણે આપ્યું હતું અને અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી આવતા ડ્રગ્સના આ રૂટને લઈને પણ પોલીસ ઉંડી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Surat: ઉધનામાં ધોળા દિવસે ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ, પોલીસે 3 આરોપીઓને દબોચી મુદ્દામાલ કર્યો જપ્ત