શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રબારી કોલોનીથી વસ્ત્ર્રાલ તરફ્ જતા મુખ્ય માર્ગ પરથી પસાર થવું વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. આ રૂટ પર આવેલા વિવિધ ચાર રસ્તાઓ અને મેટ્રો પિલરો નજીક રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગ અને તેમની દાદાગીરીને કારણે સ્થાનિકો તેમજ વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વનું છે કે ટ્રાફ્કિ જંક્શન અને ઝીબ્રા ક્રોસિંગની બિલકુલ ઉપર જ રિક્ષાઓ આડીઅવળી પાર્ક કરી દેવામાં આવી છે, જેના કારણે અન્ય વાહનોને વળવામાં અને રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ભારે મુશ્કેલી પડે છે. રબારી કોલોનીથી વસ્ત્ર્રાલ જતા આવતા અનેક ચાર રસ્તા પર રિક્ષા ચાલકો જાણે સ્ટેન્ડ સમજીને અડધો રોડ રોકીને ઊભા રહી જાય છે. પેસેન્જરો બેસાડવાની લ્હાયમાં તેઓ રોડની અધવચ્ચે જ રિક્ષા થોભાવી દે છે. આના કારણે પાછળ આવતા વાહનો અટવાઈ જાય છે અને પીક અવર્સ સવાર અને સાંજના સમયે દરમિયાન અહીં કિલોમીટરો લાંબો ટ્રાફ્કિ જામ સર્જાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે જો કોઈ વાહનચાલક આ આડેધડ પાર્કિંગ સામે અવાજ ઉઠાવે કે રિક્ષા આગળ લેવાનું કહે, તો રિક્ષા ચાલકો ગ્રુપ બનાવીને દાદાગીરી પર ઉતરી આવે છે. અપશબ્દો બોલવા અને ઝઘડો કરવો એ અહીં રોજની વાત બની ગઈ છે. સામાન્ય નાગરિકો આ જોહુકમી સામે લાચાર બન્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો