અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે વસ્ત્ર્રાલ ખાતે નિર્માણ કરવામાં આવેલું વસ્ત્ર્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન કરતી પ્રાઇવેટ એજન્સીની મનમાની અને અરાજકતાનું કેન્દ્ર બન્યું છે. જે કોમ્પલેક્ષ ખેલાડીઓ અને નાગરિકો માટે તૈયાર કરવામાં આવ્યું છે તે કોમ્પ્લેક્સને કોન્ટ્રાક્ટર એજન્સી અને તેના કર્મચારીઓએ જાણે પોતાની પોતાની કે ખાનગી મિલકત સમજી લીધી હોય તેવો ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે.
મહત્વનું છે વસ્ત્ર્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો એક સનસનાટીભર્યો વિડીયો સામે આવ્યો છે, જેણે સંચાલક એજન્સીના વહીવટની પોલ ખોલી નાખી છે. વાયરલ વિડીયોમાં કોમ્પ્લેક્સના કર્મચારીઓ કોઈ પણ જાતના ડર વગર, અનાધિકૃત રીતે સ્ટાફ્ની મહિલા સાથે સ્વિમિંગ પૂલમાં મોજ-મજા કરતા અને પૂલનો દુરુપયોગ કરતા કેમેરામાં કેદ થયા છે. સામાન્ય નાગરિકો અને ખેલાડીઓ માટે જ્યાં કડક નિયમો, પાસ અને ચોક્કસ સમયપત્રક લાદવામાં આવે છે, ત્યાં એજન્સીના કર્મચારીઓ માટે તમામ નિયમો કાગળ પર જ રહી ગયા છે. કોર્પોરેશનના તમામ સ્વિમિંગપુલમાં મહિલા અને પુરુષોના સમય અલગ અલગ હોય છે અને સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં બનેલા સ્વિમિંગપુલ તરવૈયાઓની તાલીમ માટે બનાવવામાં આવ્યા છે પરંતુ વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં બનેલુ સ્વિમિંગ પુલ ખેલાડીઓ માટે નહીં પરંતુ કર્મચારીઓના મોજશોખ માટે બનાવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.
