અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI એપાર્ટમેન્ટમાં થયેલા ફાયરિંગમાં પતિ-પત્નીના મોત મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ, ઊંડી તપાસ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે હવે યશ ગોહિલ સામે પત્ની રાજેશ્વરીની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે.


DCP હર્ષદ પટેલનું મહત્વનું નિવેદન

DCP ઝોન-1 હર્ષદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઘટનાની ગંભીરતા જોતા ફોરેન્સિક પીએમ (Post-Mortem) કરાવવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે જો અકસ્માતે ગોળી છૂટી હોત, તો તે રાજેશ્વરીબેનના માથામાં વાગે તેવી શક્યતા નહિવત છે. રિવોલ્વરમાં કુલ બે બુલેટ હતા અને બંને ફાયર કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓ સાબિત કરે છે કે યશ ગોહિલે પહેલા પત્ની રાજેશ્વરીની હત્યા કરી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી."

પ્રાથમિક તપાસ બાદ હત્યાની ફરિયાદ નોંધી

 પોલીસે પ્રાથમિક તપાસ બાદ હવે કાયદેસરની હત્યાની ફરિયાદ નોંધી છે.મૃતદેહોના ફોરેન્સિક પીએમ રિપોર્ટ અને બેલેસ્ટિક રિપોર્ટ પરથી ગોળી વાગવાનું એંગલ સ્પષ્ટ થયું છે. રિવોલ્વરમાં રહેલી બંને ગોળીઓનો વપરાશ કરી દેવામાં આવ્યો હતો.મૃતકોના મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબજે કરી વધુ ડેટા રિકવર કરવાની પ્રક્રિયા શરૂ છે.

આગળની કાર્યવાહી

હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) ચલાવી રહ્યા છે. મોબાઈલ કોલ ડિટેલ્સ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આ હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે, જે રીતે માથામાં ગોળી વાગી છે તે જોતા આ સુનિયોજિત હત્યા હોવાની પ્રબળ શંકા છે.

આ પણ વાંચો:મુંબઈ જઈ રહેલું કન્ટેનર ઉમરગામ માર્ગ પર પલટી ગયું, ચાલકનો આબાદ બચાવ


  • Follow us on: