વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત શહેર સમીપે આવેલા ધાકડી લબ્ધિ તીર્થમાં પ્રયુષણ પર્વના અંતિમ દિને સંવતસરી પર્વની મંગળવારે જૈન સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી. જીનાલયોમાં ભગવાનને અભિષેક ધારા, પૂજા અર્ચના, વ્યાખ્યાન, મહાપૂજા, સંધ્યા ભક્તિ, આરતી સહિતના અવસર યોજાયા હતા. શહેરમાં શાલીભદ્ર આરાધના ભવનમાં વીર સૈનિકોની ટીમ, જીવીબાના ઉપાશ્રાયે પ્રવચન પ્રભાવીકા યશોવર્ધના શ્રીજી આદિઠાણા, સ્થાનકવાસી જૈન સંઘમાં નંદિની બાઈ માહ સતીજી, પાશ્વચંદ્ર જૈન સંઘમાં સાધ્વીજી ભગવંત વીર ભદ્રાની નિશ્રામાં સંવતસરી પ્રતિક્રમણ માટે જૈન પરિવાર જનો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા. પ્રતિક્રમણ કરીને સમાજની સંસ્કૃતિ રીત મુજબ સગા, સંબંધી, સ્નેહીજનોને એકબીજાને મિચ્છામી દુક્કડમ કરી ક્ષમા યાચના માગી હતી અને હર્ષ ઉલ્લાસથી સંવતસરી પર્વની ઉજવણી કરાઈ હતી.
