વિરમગામ શહેરમાં રાત્રી સમયમાં રસ્તા પર મુકાયેલ વાહનોની બેટરી, ખેતરમાંથી મોટર, લોખંડ સહિતની વસ્તુઓની ફેબ્રુઆરીમાં ચોરીના બનાવોની ફરિયાદો થતા શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસે ગુરુવારે રાત્રે છ ચોરીનો ભેદ ઉકેલી કુલ છ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
વિરમગામમાં એસબીઆઇ બેંક સામે ખોડીયાર માતાજીના મંદિર પાસે આઇસર ટ્રકમાંથી ગત તા. 28મી ફેબ્રુઆરીની રાત્રે બેટરી ચોરી થઈ હતી.પોલીસે તપાસ શરૂ કરતાં રાહુલ ઉર્ફે ભાણો અશોકભાઈ ઠાકોર રહે. ગોવાળવાસ, સાહિલ ઉર્ફે નાનુ રાજેશભાઈ ટ્રેટિયા રહે. સોનીફ્ળી અને પ્રભુ મહેશભાઈ ઠાકોર રહે. રહેમલપુર સંડોવાયા હોવાથી તેમની પુછપરછ કરાતા ચોરીના ભેદ ઉકેલાયા હતા.સાહિલ ટ્રેટીયાને પોલીસે લાલ આંખ બતાવતા તેની સાથે અન્ય વધુ બે પાણીની મોટર અને લોખંડ સળિયાની ચોરીમાં સામેલ હોવાની કેફ્યિત જણાવી હતી. જેથી પોલીસે રાહુલ હરેશભાઈ દંતાણી રહે. અલીગઢ, પ્રકાશ ઉર્ફે પકો અશોકભાઈ ઠાકોર રહે. મોટા પરકોટાની ધરપકડ કરી હતી. ટ્રક સિવાય ગત તા. 27મી ફેબ્રુઆરીની રાત્રે સ્મશાનમાં મુકાયેલા ટ્રેકટરમાંથી બેટરી ચોરાઈ હતી. તા.26મીએ રાત્રે જુના સરકારી દવાખાના દુકાન પાસે રિક્ષામાંથી બેટરી ચોરી કરી હતી. આ સિવાય શહેરમાંથી રહેમલપુર તરફ્ જવાના માર્ગમાં આવતી તલાવડી પર તથા સધી માતાજી પાસે રસ્તામાંથી પાણી માટે મુકેલી ઇલેક્ટ્રિક મોટરની ચોરી તેમજ નિર્માણ થઈ રહેલા કોકતા બ્રિજ પાસેથી 174 કિલોગ્રામ ભંગાર કાપેલા લોખંડ સળિયા ચોરી કર્યા બનાવના ભેદ ઉકેલાયા હતા. ત્રણે બેટરી રૂ. દસ હજારની કિંમતમાં કિરણ ઈશ્વરભાઈ દેવીપૂજક રહ. શંકર મુખીની ચાલી, વિરમગામ નામના વ્યક્તિને વેચાણ કરી હતી. જેથી પોલીસે કિરણ દેવીપૂજક વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી હતી.










