ગુજરાતમાં હાલમાં ઠંડીના ચમકારાથી રાહત દેખાઈ રહી છે. પવનોની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ રહ્યુ છે. દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે ફરીવાર ઠંડી અંગે આગાહી કરી છે. આજથી સાતમી ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થતા તાપમાન ઘટશે.

સાતમી ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસર વધશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે આજથી સાતમી ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઠંડીનો ચમકારો રહેશે. રાજ્યમાં સૌથી નીચુ 14 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. અમદાવાદમાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાતમી ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસરમાં વધારો થશે.

આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.


આ પણ વાંચોઃ Gujarat Weather : પવનોની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડી ઘટી, અમરેલીમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું