વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી લઘુત્તમ તાપમાન વધ્યું છે, ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી નોંધાયું હતું, 20 ડિસેમ્બર પછી રાજયમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે.
ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું
અમદાવાદમાં 14.2, ડીસામાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5, વડોદરામાં 11.2 ડિગ્રી, સુરતમાં 18.1, ભુજમાં 16.1 ડિગ્રી તાપમાન, નલીયામાં 14.8, કંડલામાં 17.4 ડિગ્રી, અમરેલીમાં 11.2, ભાવનગરમાં 14 ડિગ્રી, રાજકોટમાં 15, મહુવામાં 12.5 ડિગ્રી, કેશોદમાં 14.3, સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હિમલહેર વચ્ચે વાતાવરણમાં ફેરફાર
મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તાપમાનમાં આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો થશે. નોંધનીય છે કે ડિસેમ્બરના મધ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ વાતાવરણમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળી શકે તેમ છે. આ ફેરફાર બાદ ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેના પર હવામાન નિષ્ણાંતોની નજર છે.
ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ
હવામાન વિભાગ પ્રમાણે આગામી સાતેક દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર જણાતો નથી. આગામી ચાર દિવસ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં 48 કલાક બાદ વધી શકે છે ઠંડીનો પારો, પવનોની દિશા બદલાતા વાતાવરણમાં આવશે બદલાવ