અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા 'આભૂષણ જ્વેલર્સ'માં થયેલી કરોડો રૂપિયાની ચોરીના હાઈપ્રોફાઈલ કેસનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. જ્વેલર્સમાં જ કામ કરતી લાલચુ મહિલા કર્મચારી હર્ષિદા રાજેન્દ્રકુમાર શેટ્ટીએ દુકાનમાંથી રૂ.1.66 કરોડથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ગુનો આચર્યા બાદ તે ફરાર થઈ ગઈ હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આસપાસના વિસ્તારોના આશરે 300 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ફંગોળીને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી અને અંતે મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે.
ચોરી કરીને દિલ્હી ભાગી હતી આરોપી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કરોડોના દાગીનાની ચોરી કર્યા બાદ મહિલા કર્મચારી પોતાના સહ-આરોપી મિત્ર મયુર માલી સાથે ઉદયપુર, જયપુર થઈને દિલ્હી ભાગી ગઈ હતી. ક્રાઈમબ્રાન્ચે ગુપ્ત ઓપરેશન પાર પાડીને મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડી છે અને તેની પાસેથી ચોરીના દાગીના સહિત આશરે રૂ.22.54 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે બાકીના કરોડોના દાગીના લઈને ફરાર થઈ ગયેલા તેના મુખ્ય સાથીદાર મયુર માલીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
