પૂર્વ અમદાવાદમાં આવેલી અસારવાની વાવ, સિંધવાઈ માતાની વાવ, તેમજ નિકોલ-નરોડા વિસ્તારની ઉત્તમનગરની વાવ સહિતની અનેક ઐતિહાસિક વાવો આજે ઘોર ઉપેક્ષા, તંત્રની બેદરકારી અને કચરાના લીધે અત્યંત દયનીય હાલતમાં છે. આ ચિંતાજનક પરિસ્થિતિને વળાંક આપવા અને આપણા ભવ્ય જળવારસાને પુનર્જીવિત કરવાના એક યુવા ગ્રુપ આગળ આવ્યું છે. આ યુવાનોના ગ્રુપ દ્વારા હાલમાં ઉત્તમનગરની ઐતિહાસિક વાવને જડમૂળથી સાફ્ કરીને તેને નવજીવન આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ વાવમાં લાંબા સમયથી કચરો ઠલવાવાના કારણે તેના ત્રણ માળ સંપૂર્ણપણે માટી અને કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેને લઈને દર રવિવારે સવારે રજાના દિવસે 70થી વધુ ઉત્સાહી સ્વયંસેવકો અને AMCના કર્મચારીઓ ઉત્તમનગરની વાવ ખાતે આવીને શ્રમદાન કરી રહ્યા છે. આ અથાણ પ્રયાસોના ભાગરૂપે વાવનો એક આખો માળ માટીમાંથી મુક્ત કરીને એકદમ સ્વચ્છ કરી દેવાયો છે. સફાઈ દરમિયાન અંદાજે 5 ટનથી વધુ કચરો અને દશકો જૂની માટી દૂર કરવામાં આવી છે.










