સમગ્ર રાજયની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. અને માત્ર બે દિવસમાં જ જિલ્લામાં સીઝનનો 25 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સતત વરસાદને લીધે જિલ્લાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં જિલ્લાના 10 રસ્તાઓ બંધ થઈ ગયા હતા.    

સુરેન્દ્રનગર જિલ્લામા તા. 23 અને 24મી જુલાઈએ પડેલા ભારે વરસાદને લઈને ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં રસ્તાઓને નુકશાન થયુ હતુ. જેમાં દસાડા, લખતર, વઢવાણ, ધ્રાંગધ્રા, થાન, લીંબડી સહિતના તાલુકાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના તથા માર્ગ મકાન સ્ટેટ હસ્તકના હાઈવે અને ગ્રામ્ય પંથકોને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા હતા. જેમાં જિલ્લાના 10 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરના દુધરેજથી માલવણ, પાટડી થઈ બહુચરાજી જતો હાઈવે પર બંધ થતા હજારો વાહનચાલકો અટવાયા હતા. ત્યારે જિલ્લા કલેકટર જી.એચ.સોલંકીની સુચનાથી માર્ગ મકાન વિભાગ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ હતુ. જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર્સ, સેકશન ઓફીસર્સના નિરીક્ષણ હેઠળ 850 કિમીથી વધુ લંબાઈના રસ્તાઓનું નિરીક્ષણ કરાયુ હતુ. અને ક્ષતીગ્રસ્ત માર્ગોની યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 5 ઈમરજન્સી ટીમ, 20 જેસીબી, 40 ટ્રેકટર-ટ્રોલી અને 100થી વધુ શ્રામીકો જોડાયા હતા. આ કામગીરીમાં પાણી નીકાલના માર્ગો સાફ કરીને રસ્તા પરથી પાણીનો નીકાલ સુનિશ્ચિત કરાયો હતો. જયારે રસ્તાઓ પરથી પાણી ઓસરતા ક્ષતીગ્રસ્ત રસ્તાઓનું પેચવર્ક કરીને મરમ્મત કરાઈ હતી. તા. 23-24મી જુલાઈના વરસાદથી જિલ્લામાંથી પસાર થતા 10 રસ્તાઓ પર સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જેમ રવીવાર બપોર સુધીમાં 7 માર્ગ પર વાહન વ્યવહાર પુનઃ સ્થાપીત કરાયો છે. જયારે 3 રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.