પયુષણ પર્વ નિમિત્તે વાંસદા ખાતે જૈન સમાજ દ્વારા ધાર્મિક અને ભક્તિમય માહોલમાં તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વહેલી સવારથી જ જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જૈન મંદિરે દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડયા હતાં.

આ પ્રસંગે ભગવાનને શણગારેલા રથમાં બિરાજમાન કરી ભક્તિ ગીતો અને સંગીતના સથવારે નગરના વિવિધ મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમ્યાન નગરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. માર્ગમાં પોતાના આંગણે શોભાયાત્રાનો રથ પહોંચતા અનેક પરિવારો દ્વારા રથની પૂજા-અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રાના રથને વાંસદા જૈન સમાજના યુવાઓ દ્વારા હાથથી ખેંચવામાં આવ્યો હતો. વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી શોભાયાત્રામાં જૈન સમાજના અગ્રણીઓ, મહિલાઓ તેમજ નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. સમગ્ર શોભાયાત્રા દરમ્યાન ભક્તિગીતો અને સંગીતના સથવારે પયુષણ પર્વની ધાર્મિક ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. પયુષણ પર્વ જૈન સમાજ માટે આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાભાવના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ પાવન અવસરે તપસ્વીઓના સન્માન અને ધાર્મિક ભાવનાને કેન્દ્રમાં રાખીને યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતાં. નગરમાં ઠેરઠેર શ્રદ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો