વાંસદા-ડાંગ : ડાંગ જિલ્લાના નડગખાદી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી બે દીપડાની સતત અવરજવરને કારણે ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો છે. જેને પગલે તાત્કાલિક જેર કરવાની માગ કરતાં વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દરરોજ સાંજે આશરે 8 વાગ્યાના સુમારે જંગલ વિસ્તારમાંથી બે દીપડાની જોડી શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી પહોંચતી હતી. દીપડાની વધતી જતી સક્રિયતાથી ગ્રામજનોમાં દહેશત વ્યાપી જતાં સ્થાનિક સરપંચ દ્વારા ચીચીનાગાવઠાં રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) આર.આર.ચૌહાણને તાત્કાલિક લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. RFO આર.આર.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીંપરી બીટના બીટ ફોરેસ્ટર અપ્સાનાબેન અને વન વિભાગની ટીમે નડગખાદી ગામમાં માનવ વસાહત નજીક દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવી દીધું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા ગ્રામજનોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકો અને પશુધનની ખાસ સંભાળ રાખવા તેમજ દીપડો દેખાય તો તેની નજીક જવાને બદલે વન વિભાગ વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે.
