આહવા તાલુકાના સાપુતારા નવાગામ આંગવાડી કેન્દ્ર ખાતે રાજ્યકક્ષાના મંત્રી વ ડાંગના પ્રભારી મંત્રી ડો. જયરામ ગામીત સહિતના મહાનુભાવોના અધ્યક્ષ સ્થાને આંગણ મિલન સેવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રી ડો. જયરામ ગામીતે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ, પૌષ્ટિક આહાર અને પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આંગણવાડી કેન્દ્રો અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ડાંગ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવાનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સાપુતારા નવાગામ આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને ટેક હોમ રાશન, બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીના તંદુરસ્ત બાળક સ્પર્ધાના વિજેતા બાળકોને પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતાં. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ ગામીત સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
