ડાંગ જિલ્લામાંથી એક હૃદયવિદારી ઘટના સામે આવી છે, જેમાં વન્યજીવ અને માનવ સંઘર્ષે એક માસૂમ બાળકનો ભોગ લીધો છે. સુબીર તાલુકાના મહાલના જંગલમાં દીપડાના હુમલામાં 7 વર્ષના બાળકનું કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


દાદી સાથે પશુ ચરાવવા ગયેલા પૌત્ર પર કાળનો પંજો

મળતી વિગતો મુજબ, સુબીર તાલુકાના બરડીપાડા ફોરેસ્ટ રેન્જમાં આવેલા મહાલના જંગલમાં 7 વર્ષનો રિતેક નામનો બાળક તેની દાદી અંતુબેન સાથે બળદ ચરાવવા માટે ગયો હતો. રિતેકની માતા સુગર ફેક્ટરીમાં મજૂરી કામે ગયેલા હોવાથી તેઓ બાળકને દાદી પાસે મૂકીને ગયા હતા. મંગળવારે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે જંગલમાં ઓચિંતા દીપડાએ હુમલો કર્યો હતો.

પહેલા દાદી અને પછી બાળક પર હુમલો

ઘાતકી દીપડાએ પહેલા દાદી અંતુબેન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તે માસૂમ રિતેક પર તૂટી પડ્યો હતો. દીપડાએ બાળકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા રિતેકનું લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોતાની નજર સામે જ પૌત્રને કાળનો કોળિયો બનતો જોઈ દાદી સ્તબ્ધ થઈ ગયા હતા.

વન વિભાગ સામે જનતાનો ભારે રોષ

આ ઘટનાને પગલે સ્થાનિક આદિવાસી સમાજ અને ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તારમાં દીપડાની દહેશત વધી રહી હોવા છતાં વન વિભાગ દ્વારા નક્કર પગલાં ન લેવાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે આદમખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે જેથી અન્ય કોઈનો જીવ ન જાય. હાલમાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી રહી છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: