વાંસદા-ડાંગ : ચોમાસાની એન્ટ્રી સાથે જ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો શરૂ થઈ ગયો છે. ગાઢ ધુમ્મસ, હરિયાળા ડુંગરો અને વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી રહ્યા છે. વરસાદ પડતા જ સાપુતારાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. પ્રવાસીઓની ભીડને કારણે સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પરિણામે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાપુતારા પોલીસ મથકના પી.આઈ. જે. કે. બારીયા અને તેમની ટીમે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. બીજી તરફ સ્થાનિક હોટલો, રિસોર્ટ્સ અને હોમસ્ટેના તમામ રૂમો અગાઉથી જ બુક થઈ જતા અનેક સ્થળોએ 'હાઉસફુલ'ના પાટિયા જોવા મળ્યા હતા. શનિ-રવિની રજાઓમાં પ્રવાસીઓ અહીં આવી સર્પગંગા તળાવ ખાતે નૌકાવિહારનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સાપુતારાના હાર્દ સમાન ટેબલ પોઈન્ટ, ઘોડા અને ઊંટની સવારી તેમજ વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ પ્રવાસીઓએ માણ્યો હતો. આગામી દિવસોમાં પણ વરસાદનું વાતાવરણ યથાવત રહેશે તો પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વઘઈ નજીક આવેલા ગીરાધોધ તેમજ ગીરમાળના ગીરાધોધને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી રહ્યા છે.
