દિવાળીના પર્વની ઉજવણી અને ત્યારબાદ શરૂ થયેલા વેકેશનના માહોલ વચ્ચે ગુજરાતનું એકમાત્ર અને સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસીઓથી ધમધમી ઉઠયુ છે. 

શહેરી જીવનની ભાગદોડથી દૂર પ્રકૃતિના ખોળે શાંતિ અને આહલાદક વાતાવરણનો અનુભવ કરવા માટે રાજ્યના ખૂણેખૂણેથી તેમજ પડોશી રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે ગિરિમથક સાપુતારા ખાતે પહોંચ્યા હતા. ગુલાબી ઠંડી અને લીલીછમ વનરાજી વચ્ચે પ્રવાસીઓના ભારે ધસારાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. સહેલાણીઓના આ અવિરત પ્રવાહને પગલે સાપુતારાના તમામ મુખ્ય પ્રવાસન સ્થળો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે. 

સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડનાં પગલે દુકાનદારોને ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતાં. સાપુતારાની તમામ હોટલ, રિસોર્ટ, ટેન્ટ, હોમસ્ટે ખાતે હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠયા હતાં. ખાસ કરીને સાપુતારા તળાવ ખાતે નૌકાવિહાર (બોટિંગ) કરવા માટે પ્રવાસીઓની લાંબી કતારો લાગી રહી છે, જ્યારે સાહસપ્રેમી યુવાનો પેરાગ્લાઇડિંગ સહિતની વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનો રોમાંચ માણી રહ્યા છે. 

આ ઉપરાંત, સાંજ પડતા જ આથમતા સૂર્યનો નયનરમ્ય નજારો જોવા માટે સનસેટ પોઈન્ટ ઉપર પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. પ્રવાસીઓની આ ભારે ભીડને કારણે સ્થાનિક હોટલ વ્યવસાય, ખાણીપીણીના સ્ટોલ્સ અને નાના-મોટા વેપારીઓમાં રોજષારીની નવી તકો ઉભી થતા વેપારી વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાપુતારામાં પ્રવાસીઓનાં અવિરત ધસારાનાં પગલે શામષહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમયાંતરે ટ્રાફિકજામની સ્થિતિ વણસી હતી. પરંતુ સાપુતારા પી.આઈ. જે.કે. બારીયાની ટીમે રજાઓના માહોલમાં પણ કમર કસતા ટ્રાફિક હળવો કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો