યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ અને ભાવિકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી સેવા દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમ્યાન યાત્રાળુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અંબાજી તરફ જતા મુખ્ય માર્ગો પર કુલ 16 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. જેમાં ચાર એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તોના ચરણે શીશ ઝુકાવશે ત્યારે આરોગ્યની આપતાકાલીન સ્થિતિને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ સેવા પણ સજ્જ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 108 દ્વારા દર વર્ષની સરખામણીમાં 6 એમ્બ્યુલન્સ વધારીને કુલ 16 એમ્બ્યુલન્સ કરવામાં આવી છે. જે બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તારમાં અંબાજીને જોડતા માર્ગો ઉપર સેવા આપશે. જેમાં પાયલોટ, ઈએમટી, ટેકનિકલ, સુપરવાઈઝર, મેનેજર સહિત કુલ 100 કરતા વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે. આ 16 એમ્બ્યુલન્સમાં ચાર એમ્બ્યુલન્સ એડવાન્સ લાઈફ સપોર્ટ વાળી રહેશે જે અતિ ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માટે ઉપયોગમાં લેવાશે.
