જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજીમાં મહામેળાના રવિવારે પ્રથમ દિવસે જ અંબાજી ધામમાં માઈભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળતાં સમગ્ર અંબાજીધામ જય અંબે જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. રાજ્ય તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી મા અંબાના દર્શન માટે આવેલા માઈભક્તોના કારણે અંબાજીધામમાં ભક્તિમય દ્દશ્ય સર્જાયું હતું. મા અંબા પ્રત્યેની અતૂટ આસ્થા અને મનોકામના પૂર્ણ થવાની શ્રાદ્ધા સાથે માઈભક્તો પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે અંબાજી ધામે પહોંચ્યા હતા. પ્રથમ દિવસથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. હાથમાં માતાજીની ધજા, હોઠ પર જય અંબેનો જયઘોષ અને હૃદયમાં મા અંબાના દર્શનની ભાવના સાથે હજારો ભક્તોના ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ભાદરવી પૂનમનો મેળો માત્ર મેળો નહીં પરંતુ મા અંબાના ચરણોમાં શ્રાદ્ધા, સંકલ્પ અને મનોકામના અર્પણ કરવાનો પવિત્ર અવસર છે. વર્ષોથી લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે અંબાજી ધામની પાવન ભૂમિ પર આવે છે. અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીના આશીર્વાદ લેવા આવે છે. અનેક ભક્તો નવી મનોકામના અને સંકલ્પ સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે. મહામેળાના પ્રથમ દિવસે જ જોવા મળેલી માઈભક્તોની વિશાળ ઉપસ્થિતિથી અંબાજી ધામમાં આસ્થાનો અદભુત માહોલ સર્જાયો છે. મંદિર પરિસરથી લઈને વિવિધ માર્ગો પર ભક્તોની લાંબી કતારો અને ચોતરફ સંભળાતો માતાજીનો જયઘોષ ભક્તિની અનોખી અનુભૂતિ કરાવી રહ્યો છે. પ્રથમ દિવસથી જ જોવા મળેલા આ અભૂતપૂર્વ ભક્તિસભર માહોલને જોતા આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી ધામે ઉમટી પડે તેવી સંભાવના છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો