આસ્થા, ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે પરંપરાગત અને વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો રવિવારે ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે શનિવાર તેમજ રવિવારે સાંજે 5 કલાક સુધીમાં 4.37 લાખથી વધુ માઈ ભક્તોએ મુખ્ય મંદિરમાં માતાજીનાં દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે મા અંબાના દિવ્ય રથનું વિધિવત પૂજન-અર્ચન કરી ભાદરવી પૂનમનો મહામેળો ખુલ્લો મુકાયો હતો. જેમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, પ્રવાસન સચિવ રમેશ મેરજા, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિતના મહાનુભાવો અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે મા અંબાના દિવ્ય રથ ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવો દ્વારા રથને ખેંચીને ઉદ્ધાટન ડોમ સુધી લઈ જવાયો હતો. ઉદ્ધાટન ડોમ ખાતે મા અંબાની આરતી અને પૂજન સાથે મહામેળાના સાત દિવસીય ધાર્મિક પર્વનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજીની ધરતી પર ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થઈ રહ્યો છે. ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો માઈભક્તો પગપાળા મા અંબાના દર્શને આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને સુગમ દર્શન માટે શ્રોષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈભક્તો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ભાદરવી પૂનમ મહામેળા-2026નો પ્રભારી મંત્રીના હસ્તે વિધિવત શુભારંભ થયો છે. આ પાવન પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી દેશ-વિદેશના તમામ માઈભક્તો, શ્રાદ્ધાળુઓ, પગપાળા સંઘો અને સેવા કેમ્પોને ભાદરવી પૂનમ મહામેળામાં હાર્દિક આમંત્રણ પાઠવું છે. માઈભક્તોની સુવિધા, સેવા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ગુજરાત સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 29થી વધુ જિલ્લાકક્ષાની સમિતિઓ અને 7,000થી વધુ સરકારી કર્મચારીઓ સમગ્ર સાત દિવસ દરમ્યાન 24 કલાક ખડેપગે ફરજ બજાવશે. બોલ મારી અંબે જય જય અંબે ના ગગનભેદી જયઘોષ સાથે મા અંબાના પાવન ધામમાં શરૂ થયેલો ભાદરવી પૂનમ મહામેળો લાખો શ્રાદ્ધાળુઓ માટે ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ઉર્જાનો પવિત્ર અવસર બની રહ્યો છે.
