વિશ્વપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં દેશભરમાંથી ઉમટી પડતા લાખો માઈભક્તોને આરામ, સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે મંદિર પરિસરની નજીક વિશાળ વાતાનુકૂલિત અને વોટરપ્રુફ વિશ્રામ ડોમની સુવિધા તૈનાત કરાઈ છે. જેમાં યાત્રિકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા, ગાદલા-ઓશીકાં, ઠંડા પીવાના પાણીની સુવિધા, પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સામાન રાખવા માટે ડિજિટલ લોકર તેમજ સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે ઉદયપુર જિલ્લાના ઋષભદેવથી આવેલા યાત્રાળુ ટીનાબેને જણાવ્યું હતું કે અમે છેલ્લા પાંચ વર્ષથી પગપાળા અંબાજી આવીએ છીએ અને આ વખતે 45 લોકોના સંઘ સાથે આવ્યા છીએ. અહીં વિશ્રામ માટે ખુબ જ સારી વ્યવસ્થા છે. એથી અહીં આવીને ઘર જેવો અનુભવ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો