યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી શરમજનક ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર તેમની જ ચેમ્બરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક પૂર્વ પ્રોફેસરે જૂની અદાવત અને કાયદાકીય કેસમાં મદદ ન કરવા બદલ અધિક કલેક્ટરનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


ઓફિસમાં મુલાકાતને બહાને ઘાતક હુમલો

ઘટનાની વિગતો મુજબ, સોમવારે બપોરે અંબાજી મંદિરની વહીવટદાર ઓફિસમાં કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા મુલાકાત માટે આવ્યા હતા. ચેમ્બરમાં વાતચીત દરમિયાન પ્રોફેસરે તેમના પર ચાલી રહેલા જૂના એસીબી (ACB) કેસમાં મદદ કરવા દબાણ કર્યું હતું. જ્યારે વહીવટદારે સ્પષ્ટપણે જણાવ્યું કે, "આ કોર્ટ મેટર હોવાથી હું કોઈ મદદ કરી શકું નહીં," ત્યારે પ્રોફેસર પિત્તો ગુમાવી બેઠા હતા.

ગળું દબાવી 'પૂરો કરી દેવાની' ધમકી

ઉશ્કેરાયેલા પૂર્વ પ્રોફેસરે અચાનક ઉભા થઈ અધિક કલેક્ટરનું ગળું પકડી લીધું હતું અને જોરથી દબાવવા લાગ્યા હતા. પ્રોફેસરે બૂમો પાડીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘણા સમય સુધી ગળું દબાવી રાખતા અધિક કલેક્ટરનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો, જે બાદ તેમણે બૂમાબૂમ કરતા મંદિરનો સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યા હતા અને મહામુસીબતે વહીવટદારને બચાવ્યા હતા.

આરોપીનો વિવાદાસ્પદ ભૂતકાળ

 વર્ષ 2010 થી 2012 દરમિયાન તત્કાલીન પ્રિન્સિપાલે મોદનાથ મિશ્રા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. આરોપીનો ભૂતકાળ પણ વિવાદિત રહ્યો હોવાનું સામે આવ્યું છે.હુમલા બાદ ગંભીર હાલતમાં વહીવટદારને તાત્કાલિક અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા અધિક કલેક્ટરે આરોપી મોદનાથ મિશ્રા વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: 

  • Follow us on: