આંબલિયાસણ સ્ટેશનની હાઈવેને જોડતા રેલ્વે ફટક પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પર પડેલાં ખાડાઓ પૂરવા માટે તંત્રએ મારેલાં થીંગડા નીકળી જતાં ફરીથી બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય છે અને અનેક વાહન ચાલકો માટે મુશીબતરૂપ બની રહ્યા છે.

આંબલિયાસણ સ્ટેશનમાં આવેલ રેલ્વે ફટક પર પાંચ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરી રહ્યા છે, ત્યારે દર વર્ષે આ બ્રિજના બંને તરફ્ના રોડના ભાગ ચોમાસાની સિઝનમાં ગુણવત્તાની ચાડી ખાઈ રહી હોય તેમ ઠેર ઠેર ખાડાઓ પડી જતાં ખખડધજ બની જાય છે અને અખબારી અહેવાલો, સ્થાનિક લોકોની રજુઆત બાદ પડેલા ખાડાઓ પર થીંગડા મારીને અધિકારીઓ રિપેરિંગ કર્યાનો સંતોષ માને છે, પરંતુ આ તકલાદી રિપેરિંગના લીધે એકાદ મહિના બાદ ખાડાઓ પડી જતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો માટે મુશ્કેલી રૂપ બની રહ્યા છે, ત્યારે આ બ્રિજના બંને તરફ્ના પડેલા ખાડાના લીધે કોઈ મોટા અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે અને આ બાબતે સામાજિક કાર્યકર કૌશિક પરમાર દ્વારા પણ ગુજરાત ચેપ્ટરના રિજિયોનલ અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓએ થીંગડા નહીં પરંતુ યોગ્ય રીતે રીપેરીંગ થયા તેવા પગલાં તે જરૂરી બન્યું છે.